વિક્રમ અને વૈતાળની વાતો




દોડતો દોડતો વિક્રમ સ્મશાનમાં અશોક વૃક્ષ નીચે આવ્યો. આછા પ્રકાશમાં ઉંચે નજર કરી. ડાળી પર એક શબ લટકતું હતું. વિક્રમ ઝડપથી ઝાડ પર ચડ્યો અને શબને નીચે ઉતાર્યું. ખભે નાખીને તે ઝડપથી ચાલતો થયો. શબે સળવળાટ કર્યો. તેમાં છુપાયેલો વૈતાળ બોલ્યો : વિક્રમ, તારી વીરતાનો હું પ્રશંસક છું. પણ તું ખોટો અડધી રાતે અહીં સ્મશાનમાં આવે છે. દોડાદોડી કરીને તું થાક્યો હોઈશ. તને આનંદ આવે એવી સરસ વાર્તા કહું છું :

વારાણસી નામનું નગર. આ નગરમાં ભગવાન શંકરનું નિવાસસ્થાન, પવિત્રભૂમિમાં પુણ્યશાળી લોકો રહેતા હતા. નગરના કાંઠે ગંગા નદી ખળખળ વહેતી હતી. આ નદી જાણે કે ડોકમાં પહેરેલા હીરાના હાર જેવી લાગતી હતી. આ નગરનો રાજા કર્ણરાજ. રાજા પરાક્રમી અને શૂરવીર. દુશ્મનો તેનું નામ સાંભળીને સંતાઈ જતા. કર્ણરાજને એક કુંવર હતો. સૌંદર્યમાં જાણે કામદેવનો અવતાર. અર્જુન જેવો શસ્ત્રવિદ્યામાં પારંગત. પિતા જેવો પરાક્રમી. કર્ણરાજને એક મિત્ર હતો, તેનું નામ શાણ્કયતેની કુશાગ્ર બુદ્ધિ ચતુરાઈને કારણે રાજકુમારને પ્રાણથી વિશેષ વહાલો હતો. શાણ્કયના પિતા આ રાજ્યના પ્રધાન હતા.

એકવાર કર્ણરાજ જંગલમાં શિકાર કરવા નીકળ્યા. સાથે શાણ્કય પણ હતો, નોકર-ચાકર અને સૈનિકો પણ હતા. કર્ણરાજનો ઘોડો પવનવેગે જંગલમાં ઘુમતો હતો. કર્ણરાજ શિકાર કરવામાં મશગૂલ હતાં. છનનન કરતું તીર છોડતા હતા. જંગલમાં પશુઓ નાસભાગ કરતાં હતાં. વૃક્ષ પર પંખીઓ કલકલાટ કરતાં હતાં. બંને મિત્રો જંગલમાં દૂર દૂર નીકળી ગયા. જંગલની વચ્ચે એક સરોવર હતું. સરોવરમાં રંગબેરંગી કમળો ખીલ્યાં હતાં. પવનની લહેરથી સરોવરમાં પાણીના તરંગો ઊઠતા હતા. કિનારે ઘટાટોપ વૃક્ષ. તેની ડાળે બેસીને કોયલ મધુર ટહુકાર કરતી હતી. આ સરોવરમાં એક યુવતી નહાતી હતી. પાણીમાં છબછબિયાં કરતી હતી. જાણે આકાશમાંથી પરી આ પૃથ્વી પર ભૂલી પડી હોય તેવી તે હતી. આજુબાજુ દાસીઓનું ઝુંડ હતું.

કર્ણરાજ અને શાણ્કય આ સરોવરના કિનારે આવ્યા, પ્રતાપસિંહે સરોવરમાં સ્નાન કરતી સુંદરી જોઈ, એકીટશે તે જોતો રહ્યો. કર્ણરાજ જાણે કે તેના રૂપમાં ખોવાઈ ગયો. તે સુંદરીએ સરોવરમાંથી એક કમળ તોડ્યું. આ કમળની દાંડી કાનમાં બુટિયાં પહેરતી હોય, તેમ ભરાવવા લાગી. પછી કમળની દાંડી દાંત વડે તોડવા લાગી. પછી એક કમળ તોડીને માથા પર મૂક્યું. કર્ણરાજ અને શાણ્કય જોતા જ રહ્યા. પેલી સુંદરીએ રાજકુમાર સામે જોયું અને દાસીઓ સાથે તે ચાલતી થઈ. કર્ણરાજ ઘોડા પર બેઠો. ઘોડા પાછા વાળ્યા. કર્ણરાજ આખા રસ્તે એક અક્ષર ન બોલ્યો. વારાણસી શહેરમાં બંને મિત્રો આવ્યા. કર્ણરાજ મહેલમાં ગયા. કોઈની સાથે એક અક્ષર ન બોલે, સૂનમુન બેસી રહે. ઊંડા વિચારમાં અટવાયા કરે. ખાવા-પીવાનું ઉંઘવાનું હરામતેને તો પેલી સુંદરી આંખ સામે તરવરતી હતી. કોઈની સાથે બોલે નહિ, વાત પણ ન કરે. રાજમહેલમાં બધા અકળાયા, પણ કર્ણરાજ પાસે જવાની કોઈ હિંમત ન કરે. છેવટે શાણ્કય કર્ણરાજ પાસે ગયો, એ તેનો જીગરજાન મિત્ર હતો, તેણે કર્ણરાજને પૂછ્યું :
આપણે સરોવર પાસે ગયા. બસ ત્યારથી તમો ઉદાસ છો. જાણે દુ:ખનો ડુંગર ઢળી પડ્યો, તમે કંઈક વાત કરો તો તેનો ઉપાય થાય.
પેલી સુંદરીતેના નામની ખબર નથી. તે ક્યાં રહે છે, તે કોઈ જાણતું નથી. તે સુંદરીને આ મહેલમાં કેવી રીતે લાવું ?’ કર્ણરાજ ખૂબ ધીમેથી બોલ્યો.
અહો, એમાં શું ? તે સુંદરીએ અમુક સંજ્ઞા કરી હતી. નિશાની આપી હતી. તે તમોને યાદ છે ? મેં એ નિશાની પરથી અર્થ તારવ્યો છે.
હેં ! ખરેખર ! તને નામ ઠેકાણું મળી ગયું ?’ કર્ણરાજના જીવમાં જીવ આવ્યો. આંખમાં એક ચમક દેખાઈ. તેણે શાણ્કયનો હાથ પ્રેમથી પકડ્યો. શાણ્કયને તે સુંદરીએ જે નિશાની કરી હતી, તેના પરથી અર્થઘટન કર્યું.

જુઓ, પહેલાં તેણે કાનમાં કમળ ધારણ કર્યું, તેનો અર્થ એમ થાય કે તે કર્ણાત્પલ રાજાના દેશમાં રહે છે. તેણે કમળની દાંડી દાંતમાં નાખી, એટલે તે દંતવૈદ્યની દીકરી છે. તેણે મસ્તક પર કમળ મૂક્યું, તેનો અર્થ એમ થાય કે તેનું નામ રુપમતી છે.કર્ણરાજ આ અર્થ સાંભળતા હતા. હર્ષ ઉલ્લાસમાં તેમણે શાણ્કયનો હાથ ચૂમી લીધો. શાણ્કયને તપાસ કરી, તો કલિંગદેશનો રાજા કર્ણાત્પલ હતો. તે રાજ્યના દંતવૈદ્ય રામપ્રસાદ અને તેમની પુત્રી તે રુપમતીજાણે ઈન્દ્રની અપ્સરા

કર્ણરાજ રુપમતીને મળવા વિહવળ બન્યો હતો. બીજે દિવસે શિકારનું બહાનું બતાવી તે જંગલમાં ચાલી નીકળ્યો. તેની સાથે શાણ્કય પણ હતો, બંને મિત્રો પૂરપાટ ઘોડા દોડાવતા હતા. તેમની સાથે સૈનિકો કે નોકર-ચાકર કોઈ ન હતા. જંગલ પાર કર્યું. બંને કલિંગ દેશમાં પહોંચ્યા. સંધ્યા ઢળતી હતી. ધીમે ધીમે અંધારું ઊતરતું હતું. રાત્રિના શહેરમાં પ્રવેશ કરવામાં જોખમ હતું. રાજ્યના સિપાઈ પૂછતાછ કરે. શહેરની બહાર એક નાનું મકાન હતું. ઝૂંપડા જેવું. બંને મિત્રો ત્યાં ગયા. બારીમાંથી જોયું, મકાનમાં એક વૃદ્ધ સ્ત્રી હતી. સાડલા પર સીત્તેર થીંગડાં…. ગરીબાઈમાં દિવસો વીતાવતી હતી. તેનું નામ હતું ગૌરી. બંનેએ બારણું ખટખટાવ્યું. ગૌરીએ બારણું ઉઘાડ્યું, શાણ્કયને વિનંતી કરી :
માજી, અમો મુસાફર છીએ, આજની રાત્રિ અહીં રહેવા દેશો ?’
હા ભાઈ…. ખુશીથી રહો, આ ઘર તમારું જ માનજો.ગૌરીએ બંનેને આવકાર આપ્યો. શાણ્કયને ઘોડાઓને બાંધ્યા. ઘાસ નીર્યું. પાણી પાયું. પછી ઓરડામાં બંને એક ખાટલા પર બેઠાં. શાણ્કયને વાતની શરૂઆત કરતાં કહ્યું :
માજી, આ નગરમાં રામપ્રસાદ દંતવૈદ્ય છે, તમે ઓળખો છો ?’
હા ભાઈ, હું તેના ઘરે જ કામ કરવા જાઉં છું. પણ મારા કપડાં ફાટ્યાં છે, ઘરમાં કાણી કોડી નથી, મારો દીકરો જુગારી-રખડુ છે, ઘરના વસ્ત્રો પણ વેચી નાખે છે. હું તો રુપમતીની કામવાળી છું. વસ્ત્રો નથી, એટલે હમણાંથી હું વૈદના મહેલમાં જતી નથી.ગૌરીએ વિગતથી વાત કરી. કર્ણરાજ મનમાં હરખાતો હતો. શાણ્કયને સફળતા માટે આનંદ હતો.

બીજે દિવસે સવારના શાણ્કયને ગૌરીને પૈસા આપ્યા. ગૌરી દોડતી બજારમાં ગઈ. નવાં વસ્ત્રો ખરીદી લાવી, રસોઈ માટે અનાજ-શાકભાજી લાવી. રસોઈ બનાવીને બંનેને જમાડ્યા. શાણ્કયને હળવેથી કહ્યું :
માજી, તમો તો અમારા બા જેવાં છો. અમારું એક કામ કરવાનું જેના બદલામાં અમે તમારી બધી મુશ્કેલીઓ દૂર કરીશું. તમારે રુપમતી પાસે જવાનું, તેને મળવાનું અને એકાંતમાં એમ કહેવાનું કે સરોવરના કિનારે રાજકુમાર મળ્યા હતા તે આ નગરમાં આવ્યા છે, આ સંદેશો આપવાનો છે.ગૌરીને શાણ્કયને પાંચ સોનામહોર આપી. તે તો ખુશખુશાલ થઈ ગઈ. ગૌરી તૈયાર થઈ અને દંતવૈદના મહેલ જવા રવાના થઈ. બંને મિત્રો ગૌરીના આવવાની રાહ જોતા રહ્યા. ચાતક પક્ષી મેઘની રાહ જુએ તેમ. ગૌરી રુપમતીને મળીને પાછી આવી. તે ઉદાસ હતી. દિવેલ પીધેલા જેવું મુખ. શાણ્કયને પૂછ્યું :
મા, શું સમાચાર લાવ્યાં ?’
ધૂળ…. મેં ખાનગીમાં રુપમતીને બોલાવી, રાજકુમારના આગમનના સમાચાર આપ્યા, તો ગાળો ભાંડવા લાગી. કપુરવાળો હાથ કરીને મારાં બંને ગાલ પર એક એક તમાચો ફટકાર્યો. જુઓ તેની આંગળીનાં નિશાન….’ ગૌરીએ આંગળીનાં નિશાન બતાવ્યાં. કર્ણરાજ નિરાશ થઈ ગયો. તેનો હેતુ સફળ ન થયો. શાણ્કયને તેને એક બાજુ બોલાવ્યો અને ખાનગીમાં કહ્યું :
મિત્ર, નિરાશ થવાની જરૂર નથી. રુપમતી હોંશિયાર અને ચતુર છે. તે સંજ્ઞાથી વાત કરે છે. મારી સમજ મુજબ તે એમ કહેવા માંગે છે કે હાલ અજવાળિયું છે એટલે દશ દિવસ સુધી મળી શકાશે નહિ. દશ દિવસ પછી અંધારિયું આવશે ત્યારે વાત……’

કર્ણરાજ પાસે સોનામહોરો હતી, તે બજારમાં વેચી દીધી. સીધું-સામાન લઈ આવ્યા. ગૌરી દરરોજ મિષ્ટાન બનાવે. સરસ રસોઈ બનાવે. આ બંને મિત્રો જમે અને આરામ કરે. દશ દિવસ વીતી ગયા. ગૌરીને ફરીથી રુપમતી પાસે મોકલી. આ સમયે રુપમતીએ ગૌરીને દબડાવી નહિ, ગૌરી પણ મુંગી મુંગી ઊભી રહી. રુપમતીના મુખ પર આનંદ હતો. પણ તેણે કંકુમાં આંગળી બોળી. ગૌરીની છાતી પર ચાર આંગળીનાં નિશાન કર્યાં. ગૌરી પાછી આવી. શાણ્કયને એ સંજ્ઞાનો અર્થ તારવ્યો અને કર્ણરાજને કહ્યું : આપણે સફળ થયા છીએ. ચાર દિવસ પછી રુપમતી મળવા માટે ખુશ છે.કર્ણરાજ આનંદમાં હતો, તે દિવસો ગણતો હતો. ત્રણ દિવસ પછી શાણ્કયને ફરી ગૌરીને મોકલી. રુપમતીએ ગૌરીને મીઠો આવકાર આપ્યો. તેની સાથે પ્રેમથી વાતો કરી. મિષ્ટાન પકવાન જમવા માટે આપ્યાં. આખો દિવસ ગૌરીને મહેલમાં રાખી. સાંજ પડી ને ગૌરીને ઘેર જવાની રજા આપી. એવામાં મહેલની બહાર શોરબકોર સંભળાયો. માણસો નાસભાગ કરતા હતા, મોટો કોલાહલ થઈ ગયો. લોકો બૂમો પાડીને કહેતા હતા : હાથી ગાંડો થઈ ગયો છે, લોકોને કચડી નાખે છેભાગો ભાગો….’ રુપમતીએ બૂમો સાંભળી. તેણે ગૌરીને કહ્યું : માજી, રસ્તા પર જશો નહિ. હાથીનો ભય છે. તમોને બારી વાટે બગીચામાં ઉતારું છું. દોરડાં બાંધેલો પાટલો છે. તેના પર બેસી જાઓ. નીચે બગીચામાં ઊતરશો, પછી સામે દિવાલ છે, ઝાડ પર ચઢીને દીવાલ પર ચઢી જજો. ત્યાંથી નીચે ઊતરીને અંધારું થાય એટલે ઘેર જજો.ગૌરીને એક પાટલા પર બેસાડી દોરડા વડે બગીચામાં ઉતારી. તે દીવાલ કૂદીને ઘેર પહોંચી. ગૌરીએ રાજકુમાર અને શાણ્કયને બધી વાત કરી. કર્ણરાજને આશ્ચર્ય થતું હતું. રુપમતીએ કોઈ સંજ્ઞા આપી ન હતી.

શાણ્કય ખુશમાં હતો. તેણે કહ્યું : તમારું કાર્ય સફળ થયું છે. રુપમતીએ યુક્તિપૂર્વક તમોને રસ્તો પણ બતાવી આપ્યો છે. આજે રાત્રિના તમારે તેના મહેલમાં જવાનું, ગૌરી જે રસ્તે આવી હતી તે રસ્તે જ.કર્ણરાજ શાણ્કયની બુદ્ધિ પર ફિદા થયો. રાત્રિના તે રુપમતીના મહેલ તરફ ગયો. દીવાલ કૂદીને બગીચામાં બારી પાસે નીચે ઊભો રહ્યો. બારી પાસે એક પાટલો હતો. પાટલાની ચારે તરફ દોરડું બાંધેલું. કર્ણરાજ આ પાટલા પર બેઠો. રુપમતીની દાસીઓએ દોરડું ખેંચ્યું. કર્ણરાજ મહેલમાં પહોંચી ગયો. રુપમતી કર્ણરાજને જોઈને ખુશ થઈ. તેને ભેટી પડી. બીજે દિવસે ગુપ્ત રીતે ગાંધર્વ વિધિથી લગ્ન થયાં. કર્ણરાજ મહેલમાં રહેતો હતો. રુપમતી સાથે આનંદમાં દિવસો વિતાવતો હતો. શાણ્કય ગૌરીની ઝૂંપડીમાં રહેતો હતો. કર્ણરાજને પોતાના મિત્રની યાદ આવી. તેણે રુપમતીને કહ્યું :
મારી સાથે મારો દિલોજાન મિત્ર છે. ગૌરીના ઘેર રહે છે. તે મારા પ્રધાનનો પુત્ર છે. અમારી મૈત્રી અતૂટ છે. હું તેને મળવા જાઉં છું.રુપમતી વિચારમાં પડી, ગાલ પર હાથ રાખીને બેઠી, પછી પૂછ્યું :
ઘણા દિવસથી એક વાત તમને પૂછવી હતી. હું જે સંજ્ઞા સંકેતો કરતી હતી, તે તમે સમજતા હતા કે તમારો આ મિત્ર સમજતો હતો ?’
કર્ણરાજ ભોળો હતો. તેણે સાચી વાત સ્પષ્ટ કહી દીધી : તારી સંજ્ઞા હું કાંઈ સમજતો નહોતો. તેનો ઉકેલ-રહસ્ય તો મારો આ મિત્ર કહેતો હતો.રુપમતીએ દાંતમાં હોઠ દબાવ્યો. તેના મનમાં કપટ હતું, પણ ભોળપણનો દેખાવ કરતાં બોલી :
આ વાત તમારે પહેલાં કહેવી જોઈતી હતી. તમારો મિત્ર તે મારો ભાઈ થાય. તમે એને મળવા જાઓ એના કરતાં મારે એને મહેલમાં બોલાવવો જોઈએ. એનું સ્વાગત કરવું જોઈએ. આજે હું તેમના માટે ખાસ મિષ્ટાન મોકલીશ. આવતી કાલે તેમને મહેલમાં બોલાવીશ.રુપમતી રસોડામાં ગઈ. રસોઈની સૂચના આપી. કર્ણરાજ પાછળના રસ્તેથી તેના મિત્રને મળવા ઉપડી ગયો. બંને મિત્રો ઘણા સમયે એકબીજાને મળ્યા. ભેટી પડ્યા. પછી વાતે વળગ્યા. પ્રતાપસિંહે મિત્રને બધી વાત કહી. રુપમતીએ સંજ્ઞા વિષે વાત કરી હતી તે પ્રતાપસિંહે શાણ્કયને કહ્યું. શાણ્કય વિચારીને બોલ્યો : તેં મારું નામ આપ્યું તે બરાબર ન કર્યું.

સાંજ પડી. રુપમતીના મહેલમાંથી એક દાસી શાણ્કય માટે ભોજનનો થાળ લાવી હતી. તેમાં ભાતભાતની સ્વાદિષ્ટ મિઠાઈઓ હતી. ફરસાણ હતાં અને તમતમતાં શાક હતાં. દાસીએ કર્ણરાજને કહ્યું :
ભોજન કરવા માટે રુપમતી આપની રાહ જુએ છે. આ થાળીમાંથી આપે જમવાનું નથી. આ પકવાન તો તમારા મિત્ર માટે છે.દાસી થાળી મૂકીને ચાલતી થઈ. શાણ્કય સામે પકવાનનો થાળ પડ્યો હતો. તેણે થોડીક વાર વિચાર કર્યો પછી તેણે કર્ણરાજને કહ્યું : મહારાજ, હું આપને એક ચમત્કાર બતાવું…. અજબનું કૌતુક….’ એમ કહી તેણે એક કૂતરાને પાસે બોલાવ્યો. થાળીમાંથી થોડુંક ભોજન કૂતરાને આપ્યું. કૂતરાએ ખાધું, તરફડીને તુરત મૃત્યુ પામ્યો. કર્ણરાજ આશ્ચર્યથી આ જોઈ રહ્યો. કર્ણરાજ મૂંઝવણ અનુભવતો હતો. તે બોલ્યો :
આમાં મને કાંઈ ન સમજાયું
જુઓ, રુપમતી તમને ખૂબ ચાહે છે. તમોએ સંકેતની વાત કરી, તેથી તે જાણી ગઈ કે આપણી મૈત્રી અતૂટ છે. તેને મનમાં ડર છે કે કોઈ દિવસ તેને છોડીને તમો મારી સાથે દેશમાં ચાલ્યા જશો, એટલે વચ્ચેથી એ મારો કાંટો કાઢી નાખવા માંગે છે. મને મારી નાખવા માંગે છે તેથી પકવાનમાં ઝેર નાખ્યું છે.કર્ણરાજ તો ગુસ્સે થઈ ગયો. રુપમતીની ખબર લઈ નાખવા તૈયાર થયો. શાણ્કયને તેને શાંત પાડતાં કહ્યું :
મહારાજ, કોઈ કામ ઉતાવળથી ન કરવું, શાંત ચિત્તથી વિચાર કરવો. રુપમતી આપણા દેશમાં આવવા તૈયાર થાય તેમ જણાતું નથી, તે માટે યુક્તિ કરવી પડશે.બંને મિત્રો વાતો કરતા હતા. બહાર શોરબકોર થવા લાગ્યો. લોકો રડવા લાગ્યા. દુકાનો ટપોટપ બંધ થતી હતી. આખા નગર પર શોકનું વાદળ છવાયું. શાણ્કયને બહાર આવીને તપાસ કરી તો જાણવા મળ્યું, કે ઉત્પલ દેશના રાજાનો કુંવર મૃત્યુ પામ્યો છે, તેથી રાજ્યમાં શોક છવાયો હતો. શાણ્કયને નવો વિચાર આવ્યો, તેણે રાજા કર્ણરાજને કહ્યું : હવે હું કહું તે પ્રમાણે તમારે કરવાનું છે. તમો રુપમતીના મહેલમાં જાઓ, રાત્રિના ઘેનની આ પડીકી પાણી સાથે તેને પાઈ દેજો એટલે રુપમતીને ઘસઘસાટ ઊંઘ આવશે. તમે એના દાગીના લઈ લેજો, તેના પગ પર લાલચોળ ધગધગતા નાના ચીપીયાનો ડામ દેજો. પછી ચૂપચાપ પાછળના દરવાજેથી અહીં આવતા રહેજો, પછીનું કામ હું સંભાળી લઈશ.શાણ્કયને કર્ણરાજને સમજણ આપી, અને વિદાય કર્યો. કર્ણરાજ મહેલમાં આવ્યો. રુપમતીને શંકા ન જાય તે રીતે વહાલથી વાતો કરી, ખૂબ પ્રેમ બતાવ્યો. રાત્રિના છાનામાના ઘેનની પડીકી આપી. સોના-ચાંદીના દાગીના લીધા અને મહેલમાંથી નીકળી ગયો. તે શાણ્કયને મળ્યો.

શાણ્કય બોલ્યો : આપણી યોજના હવે સફળ.અને પછી બંનેએ સાધુનો વેશ ધારણ કર્યો. શાણ્કય સાધુ મહારાજ અને કર્ણરાજ તેનો શિષ્ય. બંને ચાલી નીકળ્યા. એક સ્મશાનમાં જઈને બેઠા. પછી શાણ્કયને કર્ણરાજને કહ્યું : તમારે આ હીરાનો હાર લઈને શહેરમાં જવાનું છે. આ હાર વેચવાનો છે, પણ તેની કિંમત ખૂબ વધારે કહેજો, જેથી કોઈ ખરીદે નહિ. હાર બધા જોઈ શકે તેમ હાથમાં રાખજો. સિપાઈ તમને પકડે તો તમારે એટલું કહેવાનું કે મારા ગુરુએ આ હાર વેચવા આપ્યો છે, બીજી મને કાંઈ ખબર નથી.કર્ણરાજ સાધુના વેશે બજારમાં આવ્યો, તેના હાથમાં હીરાનો હાર હતો. રુપમતીના ઘરમાં ચોરી થઈ એટલે તેના પિતા રામપ્રસાદ દંતવૈદે રાજ્યમાં ફરિયાદ કરી હતી. સૈનિકો શોધખોળ કરતા હતા. કર્ણરાજના હાથમાં હીરાનો હાર જોયો. સૈનિકોએ તેને પકડ્યો. તેને ન્યાયાધીશ સમક્ષ લઈ ગયા. પ્રતાપસિંહે બે હાથ જોડીને કહ્યું : આ હારની મને ખબર નથી, મારા ગુરુએ મને હાર વેચવા મોકલ્યો છે. મારા ગુરુ સ્મશાનામાં ધૂણી ધખાવીને બેઠા છે.ફોજદાર, ન્યાયાધીશ અને અધિકારીઓ તુરત સ્મશાનમાં ગુરુ પાસે ગયા. બધાએ ગુરુને વંદન કર્યા અને પૂછ્યું :
ગુરુદેવ, આ હાર આપની પાસે કેવી રીતે આવ્યો ?’ શાણ્કય સાધુનો ઢોંગ કરતો હતો. તે આંખ બંધ કરીને સમાધિમાં હતો, તેણે આંખ ખોલી બધાની સામે જોયું અને કહ્યું :
સાંભળોઅમે તો સાધુસ્મશાનમાં રહીએ છીએ. કાલે રાત્રિના એક ડાકણ આવી હતી. તેની સાથે રાજાનો કુંવર હતો. તેણે રાજાના કુંવરને મારી નાખ્યો એટલે મને ક્રોધ ચડ્યો. મેં તેના પગ પર ચીપિયાનો ડામ દીધો અને તે નાસી ગઈ. પણ નાસતા નાસતા એના ગળાનો હાર મારા હાથમાં આવી ગયો. મારે આ હારની કોઈ જરૂર નથી તેથી તે વેચવા મોકલ્યો.

ફોજદાર અને અધિકારીઓ શહેરમાં આવ્યા. ફોજદારે રાજાને વાત કરી. રાજાએ વિચાર કર્યો કે આ હાર તો રુપમતીનો છે તો પછી એણે જ કુંવરનો ભોગ લીધો હશે. રાજાએ એક દાસીને બોલાવી અને હુકમ કર્યો : તું દંતવૈદના ઘેર જા, તેની પુત્રી રુપમતીના પગ પર ચીપિયાનો ડામ છે કે નહિ તે જાણી લાવજે.દાસી તુરત ઉપડી અને તપાસ કરી તો રુપમતીના પગ પર નિશાન હતું. દાસીએ રાજાને બધી વાત કરી. રાજા ખૂબ રોષે ભરાયો. તેને ખાત્રી થઈ કે આ રુપમતી જ ખરાબ છે. એણે જ મારા કુંવરને મારી નાખ્યો. રાજાએ તરત પેલા સાધુ બનેલા શાણ્કય પાસે જઈને કહ્યું કે :
આ સ્ત્રી એ જ મારા કુંવરને માર્યો છે. બોલો એને શી સજા કરવી ?’
તે છોકરીને દેશનિકાલ કરો.શાણ્કયને કહ્યું. રાજાએ રુપમતીને નગરમાંથી કાઢી નાખવાનો હુકમ કર્યો. સૈનિકોએ રુપમતીને પકડી તેને એકલી જંગલમાં છોડી મૂકી.

રુપમતી એક ઝાડ નીચે જંગલમાં બેઠી હતી, રડતી હતી ચોધાર આંસુએ. મનમાં વિચારતી હતી કે આ બધી કરામત શાણ્કયની છે. કર્ણરાજ અને શાણ્કયને સાધુનો વેશ ઉતારી નાખ્યો. ઘોડા પર બેસીને જંગલમાં આવ્યા. રુપમતીને શોધી કાઢી. પ્રતાપસિંહે તેને આશ્વાસન આપ્યું. દિલાસો આપ્યો. પછી ઘોડા પર બેસાડી, પોતાના નગર વારાણસી તરફ ચાલતા થયા. વારાણસી આવ્યા. ધામધૂમથી બંનેનાં લગ્ન થયાંઆનંદથી રહેવા લાગ્યાં. પુત્રીને દેશનિકાલ કરી, જંગલમાં એકલી છોડી દીધી તેથી તેના પિતા રામપ્રસાદને ખૂબ આઘાત લાગ્યો. તેઓ વિચારમાં ખોવાયા કે રુપમતીને જંગલી પશુઓ ખાઈ ગયા હશે તો ? રામપ્રસાદ ભાંગી પડ્યા. તેમનાથી આ આઘાત સહન ન થયો અને મૃત્યુ પામ્યા. તે પછી તેમની પત્ની પણ તેમની પાછળ મૃત્યુ પામી.

વૈતાળ વિક્રમના ખભા પર બેઠો હતો. વાર્તા પૂરી કરતાં વૈતાળ બોલ્યો : વિક્રમ…. આ વાર્તામાં મારા મનમાં એક શંકા રહે છે. આ વાર્તામાં રામપ્રસાદ અને તેમની પત્ની મૃત્યુ પામ્યાં, તેમાં કોણ જવાબદાર…. ? શાણ્કય, કર્ણરાજ, ઉત્પલનો રાજા કે રુપમતી ? ચારમાંથી કોણ જવાબદાર ? તું સત્ય જાણતો હોવા છતાં નહિ બોલે તો તારા મસ્તકના ટુકડે ટુકડા કરી નાખીશ.

રાજા વિક્રમ સત્યવક્તા હતો. તે ચૂપ ન રહી શક્યો. મૌન રહે તો મૃત્યુનો ભય હતો. તે બોલ્યો : રામપ્રસાદ અને તેની પત્નીના મૃત્યુ માટે સાચો જવાબદાર કર્ણોત્પલનો રાજા છે. શાણ્કય, કર્ણરાજ અને રુપમતી નિર્દોષ છે. શાણ્કયને જે કામ કર્યું તે મિત્રના કલ્યાણ માટે કર્યું હતું. કર્ણરાજ અને રુપમતી પ્રેમમાં આંધળાં બન્યાં હતાં. હંસ ડાંગર ખાઈ જાય, તેમાં કાગડાનો શો દોષ ? રાજા કર્ણોત્પલ નીતિશાસ્ત્ર જાણતો ન હતો. તેણે ગુપ્તચરો મારફતે તપાસ કરાવવી જોઈતી હતી. સાચી હકીકત જાણવી જોઈતી હતી. રાજાએ તેમ નથી કર્યું, તે પોતાનો ધર્મ ચૂક્યો છે અને રુપમતીને શિક્ષા કરી છે. એટલે રામપ્રસાદ અને તેની પત્નીના મૃત્યુનું કારણ રાજા જ છે.

વિક્રમનો જવાબ વૈતાળે સાંભળ્યો, તેણે અટ્ટહાસ્ય કર્યું અને બોલ્યો : રાજા વિક્રમ, તું હોંશિયાર અને બુદ્ધિશાળી છે. મને ખબર હતી કે તું બોલ્યા વિના નહીં રહે. પણ તેં શરતનો ભંગ કર્યો છે…. એટલે હું જાઉં છું…’ અને શબ આકાશમાં સડસડાટ ઊડવા લાગ્યું. રાજા વિક્રમ ખુલ્લી તલવાર લઈને તેને પકડવા દોડ્યો
[‘વિક્રમ અને વૈતાળની વાતોપુસ્તકમાંથી સાભાર.]


Share:

No comments:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

Recent Posts